દિલ્હીની એક હોટલમાં સર્જાયેલી આગની ભયાનક દુર્ઘટના બાદ અમદાવાદ શહેર શિક્ષણ વિભાગ (DEO) સંપૂર્ણપણે સલગ્ન અને એક્શન મોડમાં આવી ગયું છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ 8 જૂનના રોજથી સમગ્ર રાજ્યની સાથે અમદાવાદની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ શાળાઓને ફાયર સેફ્ટી અંગે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.



ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં? તેની ચકાસણી થશે

DEO દ્વારા તમામ શાળા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે, શાળાઓમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના તમામ સાધનો સંપૂર્ણપણે ચાલુ અને કાર્યક્ષમ હોવા જોઈએ. આ ઉપરાંત, ઉનાળા દરમિયાન લાંબો સમય બંધ રહેલી શાળાઓમાં કોઈ શોર્ટ સર્કિટ જેવી ઘટના ન બને તે માટે કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને ક્લાસરૂમમાં લાગેલા એસી સહિતના તમામ પ્રમુખ વાયરિંગનું સઘન ચેકિંગ કરાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.


શાળાઓમાં કોઈ પણ સમયે ત્રાટકશે DEOની ટીમ: થશે સરપ્રાઈઝ ચેકિંગ

શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર સૂચનાઓ આપીને સંતોષ નહીં માને, પરંતુ તેના સખત અમલીકરણ માટે DEO દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે. શાળાઓ શરૂ થતાં જ આ ટીમો ગમે ત્યારે અલગ-અલગ શાળાઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરશે. જો કોઈ શાળામાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે અથવા બેદરકારી સામે આવશે તો તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.


શાળા પ્રશાસનને કડક તાકીદ

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને સર્વોપરી ગણીને કોઈ અનિચ્છનીય કે અપ્રિય ઘટના ન બને તે માટે અત્યારથી જ પૂરતી સાવચેતી રાખવા શાળા પ્રશાસનને કડક તાકીદ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad News: વિદ્યાર્થી દીઠ વાર્ષિક 36 હજારનો ખર્ચ છતાં વર્ગખંડમાં સરેરાશ 25થી 34 ટકા જ હાજરી


  • Follow us on: