અમદાવાદ શહેરના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના આંતરિક વિખવાદનો એક વીડિયો વાયરલ થતાં ગરમાવો આવ્યો છે. સાંસદ દિનેશ મકવાણાએ પક્ષના જ કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતો એક વીડિયો જાહેર થતાં ચર્ચા જાગી છે. આ રોષનું મુખ્ય કારણ નવા પ્રદેશ અધ્યક્ષના અભિવાદન માટે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના કોર્પોરેટરોની ગેરહાજરી હતી. સાંસદે પોતાના આક્રોશમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે '20માંથી 10 કોર્પોરેટર હંમેશા ગેરહાજર રહે છે', જે પક્ષના કાર્યક્રમો પ્રત્યેની તેમની બેદરકારી દર્શાવે છે. આ જાહેરમાં ઠલવાયેલો રોષ સંગઠનમાં શિસ્તના અભાવ તરફ ઈશારો કરે છે.
ચૂંટણી નજીક છતાં ગેરહાજર રહેતા ગંભીરતાનો સવાલ
સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટરોને તેમની ગેરહાજરી બદલ આડે હાથ લેતા કહ્યું કે, "મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા)ની ચૂંટણીને માત્ર ત્રણ મહિના જેટલો જ સમય બાકી છે, તેમ છતાં ચૂંટાયેલી પાંખના સભ્યોને કાર્યક્રમો પ્રત્યે કોઈ ગંભીરતા નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિ તરીકે તેમને સંગઠન અને જાહેર કાર્યક્રમો પ્રત્યે પૂરતી ગંભીરતા હોવી જોઈએ. ચૂંટણી નજીક હોવા છતાં કોર્પોરેટરોની આવી બેદરકારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે અને આગામી ચૂંટણીના પરિણામો પર પણ તેની અસર પડી શકે છે.













