સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ની ગુજરાત કચેરીના પૂર્વ સિનિયર ફાઇનાન્સ મેનેજર સેજલ કોલ્હટકર સામે આર્થિક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોપી અધિકારી પર જુનિયર કર્મચારીઓના લોગઈન આઈડીનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.


ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી

મળતી વિગતો અનુસાર, સેજલ કોલ્હટકરે પોતાના પદનો દુરુપયોગ કરીને ચાર જેટલા ખાનગી વેન્ડર્સને ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી દીધી હતી. આ કૌભાંડને અંજામ આપવા માટે તેણે પોતાની હાથ નીચેના જુનિયર કર્મચારીઓના યુઝર આઈડીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને વાઉચર્સ પાસ કરાવ્યા હતા.

પત્નીના ખાતામાં પૈસા મોકલ્યા

CBIની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડના નાણાંમાંથી રૂપિયા 30.50 લાખ સીધા આરોપી સેજલ કોલ્હટકરના વ્યક્તિગત બેંક ખાતામાં અને રૂપિયા ૩.૫૦ લાખ તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ મકાન બનાવવા માટે મળતી રૂપિયા 74 લાખની હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લોનનો ઉપયોગ પણ કાયદા વિરુદ્ધ જઈને પોતાના વ્યક્તિગત રોકાણ માટે કર્યો હોવાનો આક્ષેપ છે.

નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

આ આખા કૌભાંડનો ભાંડો ફૂટતાં જ ઉચ્ચ સત્તાધિશો દ્વારા આરોપી અધિકારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલમાં સીબીઆઈએ સેજલ કોલ્હટકર વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધી લીધી છે. આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ખેલમાં કંપનીના અન્ય કયા કર્મચારીઓ કે ખાનગી વેન્ડર્સ સંડોવાયેલા છે, તે અંગે સીબીઆઈએ પોતાની તપાસ તેજ કરી દીધી છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર

  • Follow us on: