અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી ખોવાયેલા કે ગુમ થયેલા 410 જેટલા કિંમતી મોબાઈલ ફોન સફળતાપૂર્વક રિકવર કરીને તેમના મૂળ અરજદારોને સહીસલામત પરત સોંપ્યા છે. ગુમ થયેલા આ તમામ 410 મોબાઈલ ફોન પોલીસની સઘન તપાસ અને સતર્કતાથી માત્ર અમદાવાદ શહેરમાંથી જ શોધી કાઢવામાં આવ્યા છે.
ફેબ્રુઆરીથી મે મહિના સુધીની અરજીઓનો ત્વરિત નિકાલ
આ તમામ મોબાઈલ ફોન પરત મેળવવા માટે નાગરિકો દ્વારા અગાઉ પોલીસમાં વિધિવત અરજી કરવામાં આવી હતી. ખાસ કરીને 28 ફેબ્રુઆરીથી લઈને 31 મે સુધીના સમયગાળા દરમિયાન જે લોકોના મોબાઈલ ખોવાયેલા હોવાની અરજીઓ નોંધાઈ હતી, તેના પર ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ તમામ મોબાઈલ શોધી કાઢ્યા છે. નિયમ મુજબ, પોતાનો મોબાઈલ ફોન પરત મેળવવા માટે મૂળ માલિકોએ પોતાની અરજી સાથે મોબાઈલ ખરીદીનું પાકું બિલ રજૂ કર્યું હતું. બિલ અને માલિકીની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ અરજદારોને તેમના મોબાઈલ સોંપાયા હતા.













