અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ‘ચાણક્ય સ્કૂલ’માંથી ગુરુ-શિષ્યના સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક નિર્દયી શિક્ષકે માસૂમ વિદ્યાર્થીને એટલી જોરથી લાફો ઝીંકી દીધો હતો કે હુમલાના કારણે વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વાલીઓ સહિત સમગ્ર શૈક્ષણિક જગતમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી તાત્કાલિક એક્શનમાં આવી છે.
DEO દ્વારા આચાર્યને નોટિસ, 24 કલાકનું અલ્ટીમેટમ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ ચાણક્ય સ્કૂલના આચાર્યને કડક શબ્દોમાં કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે. DEO દ્વારા શાળા પ્રશાસનને આ સમગ્ર શરમજનક બનાવ અંગે આગામી 24 કલાકની અંદર તમામ પુરાવાઓ સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઘટના કઈ તારીખે, કયા સમયે અને કયા સ્થળે બની તેની સંપૂર્ણ માહિતી સાથે સંડોવાયેલા શિક્ષકનું નામ, તેમનો હોદ્દો અને તેમનું લેખિત નિવેદન પણ કચેરી સમક્ષ રજૂ કરવાનું રહેશે.













