અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો અને મોલ-મલ્ટિપ્લેક્સમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા એક મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે આજે બોપલ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ‘TRP મોલ’માં ઓચિંતું ઓડિટ હાથ ધર્યું હતું. ખાસ કરીને મોલમાં આવેલા ગેમ ઝોનને નિશાન બનાવીને ત્યાં રાખવામાં આવેલા અગ્નિશામક સાધનો અને કટોકટીના સમયની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની આ અણધારી કાર્યવાહીથી મોલ સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.


ડીવીઝનલ ફાયર ઓફિસરની ટીમે કરી તપાસ

આ સરપ્રાઈઝ ઓડિટનું નેતૃત્વ ડીવીઝનલ ફાયર ઓફિસર એસ.બી. જાડેજા અને તેમની વિશેષ ટીમે કર્યું હતું. અધિકારીઓએ ગેમ ઝોનમાં સ્થાપિત કરવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્પ્રિંકલર, સ્મોક ડિટેક્ટર અને ઈમરજન્સી એક્ઝિટની જાતે ચકાસણી કરી હતી. આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ જોવાનો હતો કે અકસ્માતના સમયે આ તમામ સિસ્ટમ ખરેખર કાર્યરત છે કે કેમ. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ગંભીર ઘટના બની ચૂકી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વખતે કોઈ પણ પ્રકારની બાંધછોડ વિના કડક તપાસ કરવામાં આવી હતી.

શહેરના તમામ 7 ઝોનમાં શરૂ થશે મોટું ઓડિટ

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, માત્ર બોપલ જ નહીં પરંતુ આગામી દિવસોમાં સમગ્ર અમદાવાદ શહેરના તમામ ૭ ઝોનમાં આ પ્રકારનું સઘન સરપ્રાઈઝ ઓડિટ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય તેવી ‘પબ્લિક ગેધરિંગ’ વાળી જગ્યાઓ, જેમ કે મોલ, સિનેમા હોલ, ગેમિંગ ઝોન અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તેની આકરી તપાસ કરાશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા અથવા બંધ હાલતમાં સિસ્ટમ રાખનારા એકમો સામે સીલિંગ સહિતના કડક કાનૂની પગલાં લેવાની પણ તંત્રએ તૈયારી દર્શાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: