અમદાવાદ શહેરમાં શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના માર્ગો પર દોડતી સ્કૂલ રિક્ષાઓમાં નિયમોના ધજાગરા ઉડાડીને વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો વાયરલ થતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વ્યસ્ત માર્ગો પર કેટલીક સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડવામાં આવે છે. 


રિક્ષાચાલકોની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ

સ્કૂલના બાળકોને જોખમમાં મુકતા રિક્ષાચાલકોની ગંભીર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરેલા જોઈ શકાય છે. વાહનની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવાથી રિક્ષાનું સંતુલન બગડવાની અને ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.રિક્ષામાં વિદ્યાર્થીઓને ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં બેસાડવામાં આવે છે જે સીધી રીતે તેમના જીવ સાથેનો ખેલ છે.ટ્રાફિકના નિયમો અને શાળા વાહન સુરક્ષા માર્ગદર્શિકાને ધ્યાનમાં લીધા વિના રિક્ષાઓ બેફામ દોડતી જોવા મળે છે.

આવી રિક્ષાઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે?

શહેરમાં લગાવેલા કેમેરા હેલ્મેટ અને રોડ પર સિગ્નલ બંધ થયા પછી ઉભા રહેલા વાહનોને લાઈન ક્રોસનો મેમો આપી શકે છે. પરંતુ બાળકોને આ પ્રકારે લઈને જતી રિક્ષાઓ કેમેરામાં કેદ નથી થતી તેવા સવાલો વાલીઓમાં થઈ રહ્યાં છે. નફાખોરી માટે રિક્ષાચાલકો બાળકોની સુરક્ષાને ગૌણ ગણી રહ્યા છે જે કાયદાકીય રીતે પણ ગુનો બને છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ લોકોમાં આકરી કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે. શું ટ્રાફિક પોલીસ અને RTO વિભાગને આ બાબત દેખાતી નથી? કાયદાના ડર વગર ચાલતી આવી રિક્ષાઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે?


આ પણ વાંચોઃ Gujarat Weather : 2 થી 5 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરાયા



  • Follow us on: