અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ ગણાતા દરિયાપુર પંથકમાં ગત મોડી રાત્રે જૂથ અથડામણની એક ગંભીર ઘટના સામે આવી છે. દરિયાપુરની નાની અલીની પોળ પાસે એક જ કોમના બે જૂથો કોઈ નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અચાનક આમને-સામને આવી ગયા હતા. સામાન્ય વાગ્યુદ્ધે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો વચ્ચે હિંસક ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
લાકડી-ઘોકા ઉછળ્યા અને પથ્થરમારો થયો
સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ, લાકડાના ઘોકા અને પથ્થરો વડે હિંસક હુમલો કર્યો હતો. પોળની અંદર અચાનક થયેલા પથ્થરમારાના કારણે આસપાસના રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બંને જૂથો વચ્ચે થયેલા આડેધડ હુમલા અને પથ્થરમારાની ઘટનામાં કુલ 4 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.













