અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદારનગરમાં જૂની અકસ્માતની અદાવત રાખીને સરેઆમ હિંસા આચરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સરદારનગરના કુબેરનગર વિસ્તારમાં આવેલી માચીસગલીમાં મોડી રાત્રે 10 જેટલા માથાભારે શખ્સોના ટોળાએ હથિયારો સાથે ધસી આવીને ભારે આતંક મચાવ્યો હતો. અગાઉ થયેલા એક વાહન અકસ્માતની અદાવતનો બદલો લેવા માટે આ આખી ટોળકી એક મહિલાના ઘરને નિશાન બનાવવા એકત્રિત થઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર માચીસગલી વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો.


મહિલાના ઘર પર પથ્થરમારો અને હુમલો

હુમલાખોરોના આ હિંસક ટોળાએ સૌપ્રથમ તો પીડિત મહિલાના ઘરને બહારથી ઘેરી લીધું હતું અને તેના મકાન પર બેફામ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ આ આક્રમક શખ્સોએ તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આટલેથી ન અટકતા, આ અસામાજિક તત્વોએ ઘરમાં હાજર એક નિર્દોષ વૃદ્ધ દંપતી પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ દંપતીને લોહીલુહાણ કરી નાખ્યા હતા અને જતા-જતા જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપી હતી.

સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ચકચારી હુમલાની જાણ થતાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભોગ બનનાર પરિવાર અને મહિલાની ફરિયાદના આધારે સરદારનગર પોલીસે તોડફોડ, હુમલો, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તમામ 10 હુમલાખોર આરોપીઓ વિરૂદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર થઈ ગયેલા તમામ શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: