અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝન સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હોવા છતાં, હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. વરસાદના આ લાંબા વિરામના કારણે ચિંતાતુર બનેલા નાગરિકોએ હવે મેઘરાજાને રીઝવવા ધાર્મિક આશરો લીધો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા વરુણદેવને પ્રસન્ન કરવા માટે ખાસ 'પર્જન્ય યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
11 યજમાનોએ આપી આહુતિ
વસ્ત્રાલ ખાતે યોજાયેલા આ પર્જન્ય યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 11 જેટલા યજમાનોએ એકસાથે બેસીને પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપી હતી. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે પણ વરસાદની ભારે ખેંચ વર્તાય ત્યારે વરુણદેવ અને ઇન્દ્રદેવને પ્રીત કરવા માટે પર્જન્ય યજ્ઞ કરવાની પરંપરા છે, જે અંતર્ગત આ વિશેષ પૂજા સંપન્ન થઈ હતી.













