અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તે પૂર્વે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રવિવારે જળયાત્રાના સમગ્ર રૂટ પર એક ફુલ-સ્કેલ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરા સુધી પરંપરાગત રીતે યોજાશે, જેને લઈને વહીવટી અને ધાર્મિક તૈયારીઓ આખરી તબક્કામાં છે.
500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
ભગવાનની જળયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે. રવિવારે યોજાયેલા રિહર્સલ દરમિયાન કાફલાની મૂવમેન્ટ, ઈમરજન્સી સેફ્ટી, ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેથી મુખ્ય દિવસ પર કોઈ અડચણ ન ઊભી થાય.













