અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. ધોળકાના રામપુર ગામના પાટીયા નજીક એક બેફામ સ્પીડે આવી રહેલા અજાણ્યા વાહને બાઈક સવારોને અડફેટે લેતા ગંભીર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. આ ગોઝારા અકસ્માતમાં બે નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.


ઘટના સ્થળે જ બંનેના મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, રામપુર ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. જે કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અકસ્માતની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક અને તેના વાહનની ઓળખ કરવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Ahmedabadના ધોળકાની કુમાર શાળાના શિક્ષકે ધોરણ 8ના 13 વર્ષના વિદ્યાર્થી સાથે કર્યા શારીરિક અડપલા


  • Follow us on: