અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને દબંગાઈની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેનાથી પક્ષની છબીને મોટો ફટકો પડ્યો છે. આ બંને ઘટનાઓમાં કોંગ્રેસના જ પદાધિકારીઓ પર હુમલાના આક્ષેપ થયા છે, જેણે લઈને ભારે હોવાલો મચ્યો છે.


ચાંદખેડામાં કોંગ્રેસની બેઠકમાં મારામારી

પ્રથમ ઘટનામાં, ચાંદખેડા વોર્ડમાં સંગઠન સુજન અભિયાન અંતર્ગત યોજાયેલી બેઠક દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી અને તેમના પિતા પર દબંગાઈના આક્ષેપ લાગ્યા છે. વોર્ડ પ્રમુખ અમિત પટેલે આક્ષેપ કર્યો છે કે, વોર્ડ પ્રભારીની હાજરીમાં જ રાજશ્રી કેસરી અને તેમના પિતાએ તેમને માર માર્યો હતો. અમિત પટેલે આ ઘટનાને પક્ષના શિસ્તભંગ ગણાવી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે કડક પગલાં લેવાની માંગણી કરી છે. આ ઘટનાએ પક્ષમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણ છતી કરી છે.

મહિલા પ્રમુખ દ્વારા માર મારવાનો આરોપ

બીજી ઘટનામાં, અમદાવાદ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝીલ શાહ અને તેમના મિત્રો પર એક યુવક અને તેના માતા-પિતાને માર મારવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદી યુવકના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક સામાન્ય કોમેન્ટને કારણે ઝીલ શાહ અને તેમના મિત્રોએ તેમના ઘરે જઈને હુમલો કર્યો છે. આ હુમલામાં યુવક અને તેના માતા-પિતાને ઈજાઓ પહોંચી હોવાનો આરોપ છે. યુવકે આ મામલે પોલીસ પાસે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાની માંગણી કરી છે.

આ બંને ઘટનાઓએ કોંગ્રેસ પક્ષની અંદર વધી રહેલી અરાજકતા અને શિસ્તના અભાવને દર્શાવ્યો છે. પક્ષના નેતાઓએ તાત્કાલિક આ બાબતોને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરવી જરૂરી છે અથવા અવ બનાવો પક્ષની વિશ્વસનીયતાને મોટું નુકસાન પહોચાડી શકે છે.


  • Follow us on: