નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ-હિંમતનગર હાઈવે પરથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન 4.5 કિલો MD ડ્રગ્સ બનાવવા માટેનો પાવડર જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ડ્રગ્સના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જે રાજસ્થાનથી શરૂ થઇને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા છે.


રાજસ્થાનમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

NCB અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાન બાડમેર જિલ્લામાં એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો ખુલાસો થયો છે. અહીંથી 34 કિલો કેટામાઈન પાવડર અને 12 લીટર લિક્વિડ જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં સિદ્દીકખાન મેવ નામના વ્યક્તિને માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખવામાં આવ્યો છે. તેની સાથે બિરજુ શુક્લા અને અલી મોહમ્મદ જેવા અન્ય નામો પણ તપાસમાં સામે આવ્યા છે. જેઓ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર છે.

મહારાષ્ટ્ર સુધી પહોંચી ડ્રગ્સની ચેઈન

રાજસ્થાનમાં થયેલી તપાસ બાદ, આ ડ્રગ્સ રેકેટની કડીઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા સુધી પહોંચી છે. NCB આ મામલે વધુ તપાસ કરી રહી છે જેથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના અન્ય સભ્યોને પણ પકડી શકાય. આ કાર્યવાહી દર્શાવે છે કે દેશભરમાં નશીલા પદાર્થોનું નેટવર્ક કેટલું વ્યાપક છે અને સુરક્ષા એજન્સીઓ તેને નાબૂદ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ ઓપરેશનની સફળતાથી ડ્રગ્સના વેપારને મોટો ફટકો પડ્યો છે.


  • Follow us on: