આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે ગાંધીનગરથી આદિ કર્મયોગી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે,આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે.આ અભિયાનનો ઉદ્દેશ "ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે.
આદિજાતિ મંત્રાલય દ્વારા અભિયાનનું આયોજન
તેમણે કહ્યું હતું કે, આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે.આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે. PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે. આ અભિયાનમાં ભારત દેશના 01 લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, 3 હજાર આદિવાસી તાલુકાઓ, 550 થી વધુ આદિવાસી જિલ્લાઓ, 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
ગુજરાતના 15 જિલ્લા 94 તાલુકામાં અભિયાન ચાલશે
આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 15 આદિવાસી જિલ્લાઓ, 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં આ કાર્યક્રમ ચાલવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત 20 લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે. આદિ કર્મયોગી અભિયાનને PM-JANMAN, DA-JGUA, રાષ્ટ્રીય સિકલ સેલ નાબૂદી અભિયાન, EMRS વિસ્તરણ અને શિષ્યવૃત્તિ વગેરે યોજનાઓનું એકીકરણ કરી રાષ્ટ્રીય મિશન સાથે સુમેળ સાધવાનો છે.આ અભિયાનમાં આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોને પણ સાંકળવામાં આવ્યા છે. બીજી ઓક્ટોબર 2025ના રોજ ભારતમાં અને ગુજરાતમાં “સવિશેષ ગ્રામસભા યોજાનાર છે.આ વિશેષ ગ્રામસભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે.
અભિયાનના મુખ્ય હેતુઓ
પ્રતિભાવશીલ, પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવું.
નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બનાવવું.
સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવી.
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવું.
વિકસિત ભારત@2047 માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવા.
વસવાટ (habitation) થી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવું.
કન્વર્ઝન્સ દ્વારા છેલ્લા માઈલ ડીલેવરી સુનિશ્ચિત કરવી