રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જો હવે વરસાદ ખેંચાશે તો પાણીની સ્થિતિ વિકટ બને તેવા એંધાણ સર્જાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હોવાથી રાજ્યમાં વીજ માંગ પણ વધી છે.
વીજ વપરાશ 2 કરોડ યુનિટથી વધી 8.8 કરોડ
વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે રાજ્યમાં વીજ માંગમાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણી માટે કેનાલ અને બોરના ભરોસે ખેતી કરવી પડી છે. જેથી કૃષિ વીજ માંગ પણ ચાર ગણી વધી ગઈ છે. રાજ્યમાં વીજ વપરાશ બે કરોડ યુનિટથી વધીને 8.8 કરોડ યુનિટ થયો છે. રહણાંક વિસ્તારમાં 12 કરોડ વીજ યુનિટનો વપરાશ થઈ રહ્યો છે.
વીજળી આપવાનો સમય વધાર્યો હતો
રાજ્ય સરકારે તાજેતરમા રાજ્યમાં ઓછો વરસાદ થયો હોય તે વિસ્તારોમાં વીજળી આપવાનો સમય વધાર્યો હતો. ખેડૂતોની માગને આધારે સરકારે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે વીજ વપરાશ વધ્યો છે. કૃષીમાં વિજ વપરાશ 2 કરોડ યુનિટથી વધીને 8.8 કરોડ યુનિટ થયો છે. જો વરસાદ ખેંચાશે તો વીજ માગમા હજી વધારો થાય તેવી શક્યતાઓ છે.