રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સવારના સમયે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાનની આગાહી મુજબ, હવે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં હવે વરસાદની કોઈ શક્યતાઓ નથી. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે.
સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યમાં પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકૂ રહેશે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ રહી શકે છે. લઘુતમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી.













