રાજ્યમાં શિયાળાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અનેક શહેરોમાં સવારથી જ ઠંડી પવન ફૂંકાતા સામાન્ય જીવન પર પણ તેનો અસરકારક પ્રભાવ જોવા મળ્યો હતો.
સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના 21 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો, જ્યાં ન્યૂનતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં 14.8 ડિગ્રી
મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 12.8 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં 12.4 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં ડીસામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
કંડલામાં 12.2 ડિગ્રી નોંધાયું
દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો માહોલ થોડીક ઓછી તીવ્રતા સાથે જોવા મળ્યો. સુરતમાં 19.4, જ્યારે દમણમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો બીજી તરફ કચ્છમાં ઠંડી વધુ અનુભવાઇ હતી, જેમાં ભુજમાં 15.2, અને કંડલામાં 12.2 ડિગ્રી નોંધાયું.
સૌરાષ્ટ્રમાં ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો
સૌરાષ્ટ્રમાં ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો. અમરેલીમાં 11.4, રાજકોટમાં 14, દીવમાં 15.6, મહુવામાં 15.6, કેશોદમાં 14.3, અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.