અમદાવાદ જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી અને લોહીયાળ લૂંટની ઘટના સામે આવી છે. વહેલી સવારે જ્યારે આખું ગામ ભરઊંઘમાં હતું, ત્યારે મંકી ટોપી અને હાથમાં મોજા પહેરીને આવેલા 4 હથિયારબંધ લૂંટારુઓએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને પતિ-પત્નીના ગળા પર છરી મૂકી, જાનથી મારી નાખવાની ધમકી આપીને સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.2,10,500ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.
ગળા પર છરી મૂકી ધમકાવ્યા, પ્રતિકાર કરતાં છરી ઝીંકી લોહી વહાવ્યું
કોઠ પોલીસ મથકની હદમાં સંજયસિંહ રાઠોડ અને તેમના પત્ની વહેલી સવારે આશરે 4:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં સૂતા હતા. આ દરમિયાન 25 થી 30 વર્ષની ઉંમરના ચાર અજાણ્યા શખ્સો મોઢે મંકી કેપ લગાવીને ઘરમાં ત્રાટક્યા હતા. લૂંટારુઓએ દંપતીને જગાડીને સીધા ગળા પર ધારદાર છરી મૂકી દીધી હતી અને ધમકી આપી હતી કે, "અવાજ કર્યા વિના તમારી પાસે જે સોનું અને રોકડ હોય તે આપી દો, નહિતર જાનથી મારી નાખીશું." આ દરમિયાન લૂંટારુઓએ સંજયસિંહ પર હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી લોહી પણ વહાવ્યું હતું.
દંપતીને સાડીથી બાંધ્યા, લૂંટ ચલાવી સીસીટીવી કેમેરા ફેરવી નાખ્યા
ગભરાઈ ગયેલા પત્નીએ પોતાના શરીરે પહેરેલી સોનાની ચેન, કાનની બુટ્ટી, સોનાની વીંટી, ચૂની, ચાંદીના છડા-વીંટી અને ગજવામાં રહેલા રૂ.80,000 રોકડા લૂંટારુઓને સોંપી દીધા હતા. આટલાથી ન ધરાતા ત્રણ લૂંટારુઓ સંજયસિંહ પર બેસી ગયા હતા અને તેમનું મોઢું ઓશીકાથી ઢાંકી દીધું હતું, જ્યારે અન્ય લૂંટારુ પત્નીને બીજા રૂમમાં ખેંચી ગયો હતો અને કબાટ તોડી તેમાંથી બીજા રૂ.10,000 રોકડા તેમજ 3 મોબાઈલ ફોન આંચકી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ ગઠીયાઓએ પકડાઈ જવાના ડરથી ઘર અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના મોઢા ફેરવી નાખ્યા હતા જેથી તેમની ઓળખ ન થાય. જતાં-જતાં લૂંટારુઓ દંપતીને સાડી વડે મજબૂત રીતે બાંધી ગયા હતા અને ધમકી આપી હતી કે, "જો પોલીસ કે દવાખાને જાણ કરી છે તો કાલે ફરી આવીને પતાવી દઈશું."
ઇજાગ્રસ્ત સંજયસિંહ ધોળકા હોસ્પિટલમાં દાખલ, કોઠ પોલીસ દોડતી થઈ
લૂંટારુઓ નાસી ગયા બાદ દંપતીએ માંડ-માંડ બંધનમાંથી મુક્ત થઈ આસપાસના લોકોને અને પોલીસને જાણ કરી હતી. લૂંટ દરમિયાન છરીના ઘા વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજયસિંહ રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. આ હાઈપ્રોફાઈલ લૂંટની ઘટનાને પગલે કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા 4 લૂંટારુઓ વિરૂદ્ધ ગુનો નોંધીને આસપાસના હાઈવેના સીસીટીવી ફૂટેજ ફંફોસવાના અને ગઠીયાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો