અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમે બોડકદેવમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 'પરી ડાઇનિંગ' રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી જોવા મળી હતી. નિયમોના સરેઆમ ભંગ અને અસ્વચ્છતા બદલ કોર્પોરેશનની ટીમે ત્વરિત પગલાં ભરીને આ એકમ સીલ કરી દીધું હતું. આ સાથે જ બેદરકારી દાખવવા બદલ રેસ્ટોરન્ટ સંચાલકો પાસેથી સ્થળ પર જ રૂ.20,000નો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
જાહેર માર્ગો પર ગંદકી કરનારા વેપારીઓ સામે લાલ આંખ
તંત્ર દ્વારા આ કાર્યવાહી માત્ર એક રેસ્ટોરન્ટ પૂરતી સીમિત નહોતી રાખવામાં આવી, પરંતુ સમગ્ર બોડકદેવ વિસ્તારના વ્યાપારી એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ઘોર બેદરકારી દાખવનારા અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા અન્ય 90 જેટલા નાના-મોટા કમર્શિયલ એકમો અને દુકાનોને પણ વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. એએમસીની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિક બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન કરવા માટે દોડધામ મચી ગઈ છે.













