ગુજરાતના પાટનગર સમાન અમદાવાદ શહેરમાંથી મેટ્રિમોનિયલ એપ્લિકેશનના માધ્યમથી મહિલાઓ સાથે છેતરપિંડી આચરવાનું એક ચોંકાવનારું અને મોટું કૌભાંડ સામે આવ્યું છે. મેટ્રિમોનિયલ એપ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક વિધર્મી યુવકને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ ઝડપી લીધો છે. આરોપીની ઓળખ છુપાવીને મહિલાઓનું શોષણ કરવાના આ ખુલાસા બાદ અમદાવાદ શહેરમાં ભારે સળવળાટ મચી ગયો છે.


'આદિત્ય પટેલ' બનીને કરતો કાંડ

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી મેટ્રિમોનિયલ એપ પર પોતાની નકલી પ્રોફાઇલ બનાવીને હિંન્દુ મહિલાઓને છેતરતો હતો. તેણે પોતાનું નામ 'આદિત્ય પટેલ' રાખ્યું હતું અને પોતે એક મોટો બિઝનેસમેન હોવાની ખોટી ઓળખ આપી હતી. બજરંગ દળને આ અંગે આશંકા જતાં તેમણે તપાસ શરૂ કરી હતી.

બજરંગ દળની ગહન તપાસ બાદ આરોપીની અસલિયત સામે આવી હતી કે, 'આદિત્ય પટેલ' તરીકે ઓળખ આપનાર વ્યક્તિ વાસ્તવમાં કરીમ સિપાઈ છે. જ્યારે આરોપી એક હિન્દુ મહિલાને મળવા માટે પહોંચ્યો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ તેને ઘેરી લીધો હતો અને રંગેહાથે ઝડપી લીધો હતો.

મોબાઈલમાંથી મળ્યા નકલી સરકારી દસ્તાવેજો અને 8,000 આપત્તિજનક ફોટા-વીડિયો

આરોપી કરીમ સિપાઈને ઝડપી લીધા બાદ જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો, ત્યારે બજરંગ દળના હોદ્દેદારો પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીના ફોનમાંથી નકલી ઓળખકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ તે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે કરતો હતો.

એટલું જ નહીં, તેના ફોનમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ અને અંગત વિગતો મળી આવી છે. સૌથી ભયાનક બાબત એ છે કે, તેના મોબાઈલમાંથી 8000થી વધુ આપત્તિજનક અને અશ્લીલ ફોટા તથા વીડિયો મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે.

ડિવોર્સી મહિલાઓને બનાવતો હતો સોફ્ટ ટાર્ગેટ

આરોપી કરીમ સિપાઈ અત્યંત ક્રિમિનલ માઈન્ડેડ ધરાવે છે. તે મેટ્રિમોનિયલ એપ પર ખાસ કરીને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો, જેથી તેઓ સરળતાથી તેની જાળમાં ફસાઈ જાય. પોતે વિધુર છે તેવું સાબિત કરવા માટે તેણે તેની જીવિત પત્નીનું એક નકલી ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કરી રાખ્યું હતું. વાસ્તવમાં આરોપી પોતે પરિણીત છે, અને 20 વર્ષના એક સંતાનનો પિતા પણ છે.

એપ્સ સામે બજરંગ દળનો વિરોધ

કોઈપણ પ્રકારના વેરિફિકેશન વગર અને ડોક્યુમેન્ટ તપાસ્યા વિના જ આડેધડ પ્રોફાઇલ મંજૂર કરતી મેટ્રિમોનિયલ એપ્સ સામે બજરંગ દળે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવી એપ્સ સામે કડક પગલાં લેવાની માગ કરી છે. બજરંગ દળના કાર્યકરોએ કાયદાકીય કાર્યવાહી માટે આરોપી કરીમ સિપાઈને તમામ પુરાવાઓ સાથે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આંતરરાજ્ય કે મોટા રેકેટની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઉડાઉ જવાબ, 'પાણી તો ભરાશે જ'


  • Follow us on: