અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસ બાદ ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનું અને પ્રગતિશીલ સૂચન કર્યું છે. શાળાને મળેલી નોટિસ સામેની અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, શાળાએ દર વર્ષે 10 ટકા વિદ્યાર્થીઓને RTE (રાઈટ ટુ એજ્યુકેશન) કાયદાની જેમ નજીવી ફીમાં પ્રવેશ આપવો જોઈએ. કોર્ટે સૂચવ્યું કે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષણનો લાભ મળવો જોઈએ. આ સૂચન પાછળનો હેતુ માત્ર સજા આપવાનો નથી, પરંતુ આ ઘટનામાંથી બોધપાઠ લઈને સમાજને કંઈક પાછું આપવાનો છે. કોર્ટે આ ઘટનાને બધા માટે આંખો ખોલનાર ગણાવી છે અને સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો છે.
સુરક્ષા અને સહકાર પર ભાર
હાઇકોર્ટે શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, શાળામાં CCTV કેમેરા અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી શાળાની જ છે. આ સાથે, કોર્ટે DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) અને શિક્ષણ કમિશનરને આ મામલે શાળાને પૂરતો સહકાર આપવા પણ જણાવ્યું છે. આ સુચનોનો હેતુ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવાનો છે. કોર્ટે મૃતક વિદ્યાર્થીનીના પરિવાર પ્રત્યે પણ ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે, "તમામ સહાનુભૂતિ તમારી સાથે છે." આ સુનાવણી દરમિયાન મૃતકના વાલીના આઈડિયાનો સમાવેશ કરવા માટે એક કમિટી બનાવવાની વાત પણ કરવામાં આવી છે.













