રખડતા શ્વાનોના વધતા જતા પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે સમાજમાં એક સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. આ ચુકાસા અંગે ડોગ એક્સપર્ટ ડો. આદિ દોશીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે, આ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે, જે શ્વાનો પ્રત્યેના ભયને દૂર કરવામાં મદદ કરશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, લોકોએ રખડતા શ્વાનોથી ડરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, આ સમસ્યાને 'ડોગ વર્સિસ હ્યુમન' ના સંઘર્ષ તરીકે જોવી ન જોઈએ, કારણ કે તેનાથી કોઈ ઉકેલ નહીં આવે. આ સમસ્યાનો ઉકેલ એકબીજા સાથે સુમેળ સાધવામાં અને સમજદારીપૂર્વક વ્યવહાર કરવામાં જ રહેલો છે.
રખડતા શ્વાનોનું નિયમિત રસીકરણ કરવામાં આવે
ડો. આદિ દોશીએ આ સમસ્યાના નિવારણ માટે કેટલાક વ્યવહારુ ઉપાયો સૂચવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રસીકરણ એક અત્યંત સારો અને અસરકારક ઉપાય છે. જો રખડતા શ્વાનોનું નિયમિત રસીકરણ કરવામાં આવે, તો રેબીઝ જેવા ગંભીર રોગોનો ભય દૂર કરી શકાય છે અને લોકો સુરક્ષિત રહી શકે છે. આ ઉપરાંત, તેમણે શ્વાનોને ખવડાવવા માટે ચોક્કસ જગ્યાઓ (ફીડિંગ સ્પોટ્સ) નક્કી કરવાની હિમાયત કરી છે. જો શ્વાનોને નિયમિત અને ચોક્કસ જગ્યાએ ખોરાક મળશે, તો તેઓ ખાવાની શોધમાં ગમે ત્યાં રખડશે નહીં, જેનાથી જાહેર સ્થળો પર ગંદકી અને સંઘર્ષની પરિસ્થિતિ ટાળી શકાય છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું...
આ ચુકાદો અને ડોગ એક્સપર્ટના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રખડતા શ્વાન એક એવી સમસ્યા છે, જેનો ઉકેલ ડર કે હિંસાથી નહીં, પરંતુ સમજદારી અને વ્યવસ્થાથી આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ આ જ વાત પર ભાર મૂક્યો છે કે શ્વાનો પ્રત્યે સંવેદનશીલ રહીને અને નિયમોનું પાલન કરીને સહઅસ્તિત્વ જાળવવું જરૂરી છે. આ પગલાંથી સમાજમાં શ્વાનો અને મનુષ્યો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે.