અમદાવાદ ફાયર વિભાગના કર્મચારી ભૂપેન્દ્ર ભાટીએ નાણાકીય ઉચાપત કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભૂપેન્દ્ર ભાટી જે જમાલપુર ફાયર સ્ટેશનમાં સહાયક પગી તરીકે ફરજ બજાવે છે, તેમના પર બંદોબસ્ત માટે આવતી ગાડીઓના નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે.


કૌભાંડની વિગત

ફાયર વિભાગના ડેપ્યુટી હેડ દિનેશ અસારીના જણાવ્યા મુજબ, ભૂપેન્દ્ર ભાટી વિવિધ સ્થળોએ બંદોબસ્ત માટે મોકલવામાં આવતી ફાયર વિભાગની ગાડીઓનું ભાડું વસૂલ કરતા હતા. આ નાણાં તેમને વિભાગના ખાતામાં જમા કરાવવાના હતા, પરંતુ તેમણે લાભાર્થીઓ પાસેથી લીધેલો નાણાં જમા કરાવ્યા નહોતા. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ભૂપેન્દ્ર ભાટી ચાર દિવસની રજા પર ગયા પછી પણ પરત ફર્યા નહોતા. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં પહોંચ બુક અને ખાતાકીય ટ્રાન્ઝેક્શનના આધારે નાણાકીય ગેરરીતિનો પર્દાફાશ થયો હતો.

ફાયર વિભાગની કર્યવાહી

આ કૌભાંડ બાદ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને વિજિલન્સ વિભાગમાં ભૂપેન્દ્ર ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડેપ્યુટી હેડ દિનેશ અસારીએ જણાવ્યું છે કે, આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તપાસમાં જે કોઈ પણ કસૂરવાર જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ, ભૂપેન્દ્ર ભાટી ફરજ પરથી ગેરહાજર છે અને ફાયર વિભાગ દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ ફાયર વિભાગમાં પારદર્શિતા અને નાણાકીય વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


  • Follow us on: