અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી રોડ ન બનવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ અધિકારીઓ તેમજ પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા જન પ્રતિનિધિઓ પણ હવે તો જનતાનું સાંભળતા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની વાહ વાહ મેળવવા માટે રોડ બનાવવાનું કામ મોટા ઉપાડે ચાલુ તો કરવામાં આવ્યું, પરંતુ રોડ ખોદી નાખ્યા બાદ હવે અહીંયા કામ ખોરંભે ચડી ગયું છે.


સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ

એક બાજુ દિવાળીનો તહેવાર છે તો બીજી બાજુ ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં ખોદેલા રોડના કારણે માટી ઉડતી હોય છે અને તેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે તો સ્થાનિક વેપારીઓને પણ માસ્ક પહેરીને વસ્તુઓનું વેચાણ કરવા માટે બેસવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિસ્તારના ઓમ સર્કલથી સ્મશાન સુધીના રસ્તામાં રાત્રે એટલી ધૂળ અને માટી ઉડે છે કે લોકો શ્વાસ લઈ શકતા નથી અને રોડ તો પહેલાથી જ નથી એટલે ટ્રાફિક વધારે થઈ જાય છે. ત્યારે આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

દિવાળી આવી ગઈ પણ રોડ ના બન્યો : સ્થાનિકો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સ્થાનિકોમાં ભારે રોષ જોતા કોર્પોરેટરે આ વિસ્તારમાં તાત્કાલિક પહોંચીને કામ ચાલુ થઈ ગયું હોવાના ફોટો પડાવી વાહ વાહી લૂંટી લીધી હતી. જોકે હવે રોડ બનાવવાની કામગીરી અટકી પડી છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને કોર્પોરેટરે આ મામલે મૌન સેવ્યું છે. અગાઉ ન્યુ વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકોએ ભેગા મળી જન પ્રતિનિધિ સાથે મીટીંગ કરી હતી, જેમાં જનપ્રતિનિધિઓએ તમામ સ્થાનિકોને દિવાળી પહેલા રોડ બની જવાની બાંહેધરી આપી હતી, જોકે હવે દિવાળી નજીક છે તેમ છતાં પણ રોડ બન્યો નથી, જેના કારણે લોકો જન પ્રતિનિધિની ઢીલી કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે.


  • Follow us on: