અમદાવાદ નજીક આવેલા ચાંગોદરના મોરૈયા ગામમાંથી જૂની અદાવતમાં હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લામાં આવેલા મોરૈયા ગામના મહિલા સરપંચના પતિ અને તેમના પુત્ર પર ગામના જ પાંચથી વધુ શખ્સોએ ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ જીવલેણ હુમલોમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરાયો

ઘટનાની મળતી માહિતી અનુસાર, હુમલાખોરો અને સરપંચના પરિવાર વચ્ચે અગાઉથી જ જૂની અદાવત ચાલી રહી હતી. જેની વેરઝેર રાખીને શનિવારના રોજ 5થી વધુ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી હથિયારો સાથે પિતા-પુત્રને રસ્તામાં ઘેરી લીધા હતા. જે બાદ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ઘટનાને પગલે સમગ્ર મોરૈયા ગામમાં ચકચાર મચી ગઈ છે. નાના ગામમાં આવી હિંસક ઘટનાને કારણે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.


પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ લોહિયાળ ખેલ અંગે ચાંગોદર પોલીસને જાણ કરાતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ગામમાં અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો - Ahmedabad: NEET પરીક્ષા માટે પોલીસની કડક કિલ્લેબંધી! 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા


  • Follow us on: