કેન્યાના મોમ્બાસામાં ચાલી રહેલી માનસ રામરક્ષા કથા દરમિયાન સુપ્રસિદ્ધ કથાવાચક મોરારી બાપુએ એક અનોખી રીતે જીવનનો સંદેશ આપ્યો. તેમણે ક્રિકેટની રમત અને માનવ જીવન વચ્ચેની સમાનતાઓ સમજાવી, જે શ્રોતાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક હતી. બાપુએ જણાવ્યું કે, ક્રિકેટના મેદાનમાં ત્રણ સ્ટમ્પ હોય છે, જે આપણા જીવનમાં મન, બુદ્ધિ અને ચિત્તનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મન ભટકી જાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય અને ચિત્ત વિચલિત થાય, ત્યારે વ્યક્તિ જીવનના મેદાનમાંથી આઉટ થઈ જાય છે. બાપુએ જીવનના પડકારોને બોલરની બોલિંગ સાથે સરખાવ્યા, જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને માયાના છ બોલ ફેંકે છે, જે આપણને LBW કે બોલ્ડ કરીને આઉટ કરી શકે છે.


અહંકારને સૌથી ખતરનાક વિકેટકીપર

બાપુએ અહંકારને સૌથી ખતરનાક વિકેટકીપર તરીકે ઓળખાવ્યો. તેમણે કહ્યું કે, વિકેટકીપરનું કામ વિકેટનું રક્ષણ કરવાનું લાગે છે, પરંતુ તેનો મુખ્ય ઈરાદો બેટ્સમેનને આઉટ કરવાનો હોય છે. આ જ રીતે, અહંકાર પણ આપણી અંદર છુપાઈને આપણને હંમેશા આઉટ કરવાના રસ્તાઓ શોધતો રહે છે. બીજી તરફ, બોલર અને ફિલ્ડરોની અપીલ પર વાત કરતા બાપુએ કહ્યું, "અમ્પાયર હલતો નથી, ફક્ત પોતાની આંગળીથી સંકેત આપે છે. ભગવદ્ ગીતા અનુસાર, અમ્પાયર આપણા કર્મોનો હિસાબ રાખનાર છે. ક્યારેક આપણે ખોટી અપીલ કરીએ છીએ, પણ જો તે 'નો બોલ' હોય, તો બેટ્સમેન આઉટ થતો નથી."

ભગવાન મહાદેવને 'ત્રીજા અમ્પાયર'

સૌથી રસપ્રદ વાત એ હતી કે, બાપુએ ભગવાન મહાદેવને 'ત્રીજા અમ્પાયર' તરીકે ઓળખાવ્યા. તેમણે કહ્યું કે ક્યારેક જીવનના અમ્પાયર (નસીબ કે પરિસ્થિતિઓ) પણ ખોટા હોઈ શકે છે, ત્યારે ભગવાન મહાદેવનું ત્રીજું નેત્ર આપણને 'રીપ્લે' કરીને જીવનને ફરીથી જોવાનો મોકો આપે છે. જો ભગવાનને લાગે કે મનુષ્ય હજુ રમવા યોગ્ય છે, તો તેઓ 'નોટ આઉટ' આપે છે અને જીવનની રમત ચાલુ રાખવા દે છે. આ પ્રેરણાદાયક પ્રવચનથી મોરારી બાપુએ શ્રોતાઓને જીવનના પડકારોને ક્રિકેટની રમતની જેમ હિંમત અને ધૈર્યથી સામનો કરવાનો સંદેશ આપ્યો.


  • Follow us on: