અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન કર્મચારીઓ પર હુમલા અને ધમકીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નરોડા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ઢોર પાર્ટીના માણસોને રોકી, તેમને માર મારવાની ધમકી આપી એક અજાણ્યો શખ્સ પકડેલા પશુઓને બળજબરીથી છોડાવી ગયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે AMC ના સંબંધિત વિભાગે નરોડા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
નરોડાના પાયલનગર પાસે બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર કંટ્રોલ પાર્ટી નરોડા વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહી હતી. આ ટીમ જ્યારે નરોડાના પાયલનગર ચાર રસ્તા પાસે પહોંચી અને રસ્તા પર નડતરરૂપ પશુઓને પકડવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે જ બાઇક પર સવાર થઈને એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો.
"કેમ પશુ પકડી જાઓ છો?" કહીને આપી ધમકી
બાઇક પર આવેલા આ શખ્સે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના સીધો જ AMC ના કર્મચારીઓ સાથે વિવાદ શરૂ કર્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડીને કર્મચારીઓને પૂછ્યું હતું કે, "તમે કેમ અમારા પશુ પકડી જાઓ છો?" આટલું કહીને તેણે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને ઢોર પાર્ટીના માણસોને જાનથી મારી નાખવાની તેમજ જોરદાર માર મારવાની ધમકી આપી દીધી હતી.
કર્મચારીઓ જોતા રહ્યા અને શખ્સ ઢોર છોડાવી ગયો
અજાણ્યા શખ્સના આક્રમક વલણ અને ધમકીના કારણે કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં જ, તે શખ્સ ઢોર પાર્ટીની પકડમાંથી પશુઓને બળજબરીપૂર્વક મુક્ત કરાવી ગયો હતો અને ત્યાંથી પોતાના બાઇક પર રફુચક્કર થઈ ગયો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર સરકારી કર્મચારીઓ સામે થયેલી આ દાદાગીરીથી કોર્પોરેશનના સ્ટાફમાં રોષ વ્યાપી ગયો છે.
AMC ના NCND વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ
આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના NCND વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિભાગના અધિકારીઓએ ફરજ પરના કર્મચારીઓને ધમકાવવા અને સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ અજાણ્યા બાઇકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કાયદો હાથમાં લેનારા આ શખ્સને ઝડપી લેવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - Ahmedabad News: નોબલનગર વાલ્મીકી આવાસમાં રેડ, 8.67 લાખનો વિદેશી દારૂ-બિયર જપ્ત