તહેવારોની સિઝન નજીક આવતા અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના સંવેદનશીલ ગણાતા શહેર કોટડા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 રૂપલ સોલંકીની આગેવાની હેઠળ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે વિસ્તારના ખૂણેખૂણામાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.


તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસે કવાયત હાથ ધરી

આ કવાયત માત્ર પેટ્રોલિંગ પૂરતી સીમિત ન રહેતા પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પણ નજર રાખી હતી. ટીમે ખાસ કરીને હિસ્ટ્રીશીટર, બુટલેગર અને અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલા આરોપીઓના ઘરે જઈને ચેકિંગ કર્યું હતું. આ પ્રકારની કાર્યવાહીનો હેતુ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવા તત્વોને અંકુશમાં રાખવાનો છે. પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ ચાંપતી નજર રાખી હતી.

બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કરવામાં આવી કાર્યવાહી

આ દરમિયાન રસ્તાઓ પર ફરતા બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા લોકોને પણ પકડીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ પ્રકારના કડક પગલાં લઈને પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા અને સમાજવિરોધી તત્વો પર લગામ કસવાનો પ્રયાસ કરી રહી છે. ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે તહેવારોમાં લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

  • Follow us on: