અમદાવાદમાં ગૃહમંત્રી અમિતશાહે થોડા દિવસો પહેલા જ નારણપુરા વિસ્તારમાં પલ્લવ સર્કલ પર બનેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ બ્રિજના કારણે રિંગ રોડ પર થતા ભારે ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે. આ બ્રિજના કારણે અનેક લોકોના ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર ઘટયું છે. અને ટ્રાફિકમાં અટવાયા વગર તેઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાન પર જતા સમયની પણ બચત થઈ છે. શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ માર્ગ અને બ્રિજની કામગીરી ચાલી રહી છે. કેટલાક કામો જલ્દી પતે છે તો કેટલાક કામો ગોકળ ગતિએ ચાલતા હોવાથી સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્રની કામગીરીથી રહીશો નારાજ
શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા રહીશો તંત્રની કામગીરીથી નારાજ છે. છેલ્લા ઘણા સમયથી રાણીપમાં રોડ-રસ્તાનું કામ ચાલી રહ્યું છે. રાણીપમાં ગાયત્રી મંદિર પાસેનો રોડ 6 મહિનાથી તૂટેલો છે અને તેના રિપેરીંગને લઈને 6 મહિનાથી કામગીરી ચાલી રહી છે. જે કામ 2 મહિનામાં પૂર્ણ થવાનું હતું તે હજુ સુધી પૂરું થયું નથી. ઉનાળા સિઝન પૂર્ણ થવા આવી અને ચોમાસું નજીક આવ્યું છતાં હજુ પણ રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલે છે. અમે રસ્તાના કામથી કંટાળી ગયા છીયે. અને નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે તેવું પણ લાગતું નથી. અધિકારીઓની બેદરકારીના કારણે પ્રજા પરેશાન છે.
વરસાદ પહેલા કામ પૂરું થાય તેવી રજૂઆત
લોકોની ફરિયાદ છે કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી વરસાદી પાણી, ડ્રેનેજનું કામ ગોકળ ગતિએ ચાલે છે. 6 મહિનાથી ચાલતા રસ્તાના કામથી અમે કંટાળી ગયા છીએ. છેલ્લા 6 મહિનાથી રસ્તા ખોદવામાં આવ્યા છે. ગાયત્રી વિસ્તારમાં તૂટેલો રોડ રિપેર થયો નથી અને જ્યાં જુઓ ત્યાં કોંક્રિટના ઢગલા કરેલા છે. જેના કારણે સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. અત્યારે શાળાના વેકેશનનો માહોલ પૂર્ણ થતા બીજા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. તેવી સ્થિતિમાં બિસ્માર રસ્તાના કારણે શાળાએ અવર-જવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે થોડા જ દિવસોમાં ચોમાસુ બેસશે. ચોમાસામાં અહીંયા ઘુંટણસમા પાણી ભરાય છે એટલે અમારી માગ છે કે વરસાદ પહેલા તમામ અધૂરા કામ પૂર્ણ કરવામાં આવે.