સ્વાતંત્ર્ય પર્વની સાંજે 'સ્વાભિમાનના સૂર્યોદય'ના ઉદ્દેશ્ય સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા 'સિંદુર સ્વાભિમાન યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરના ત્રણ મહિના પૂર્ણ થવા નિમિત્તે સૈનિકોના જુસ્સાને સલામ કરવા, તેમજ સુરક્ષિત સીમા અને સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે આ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા 16 મી ઓગસ્ટે નડાબેટથી પ્રસ્થાન કરશે અને 29 મી ઓગસ્ટે દાંડી ખાતે સમાપન કરશે. યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 મી ઓગસ્ટે સાંજે 4 વાગ્યે સિંધુભવન રોડ પર યોજાશે, જેમાં રાજકીય નેતાઓ, ફિલ્મી હસ્તીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને રાષ્ટ્રપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 1000 કારનો કાફલો જોડાશે.


સિંદુર સ્વાભિમાન યાત્રા

આ યાત્રામાં પહેલગામ હુમલામાં શહીદ થયેલા 26 દેશવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શહીદ રથ અને 26 વિશેષ કારનો કાફલો જોડાશે. અખંડ ભારત સ્વાભિમાન મંચના 200 થી વધુ સભ્યો અંદાજે 3000 કિલોમીટરનો પ્રવાસ કરશે. મંચના સભ્ય હાર્દિકસિંહ ડોડીયાના જણાવ્યા અનુસાર, 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સરહદી વિસ્તારોમાં લગભગ 500 કાર્યક્રમો યોજાશે. દરેક ગામમાં 'સિંદુર સ્વાભિમાન ઝંડા'નું સ્થાપન કરીને ઓપરેશન સિંદૂરનો પરચમ લહેરાવવામાં આવશે. સાથે જ, ઓપરેશન સિંદૂરની યાદને કાયમ રાખવા માટે સિંદૂરના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. મોદી સરકારના પગલાંને સમર્થન આપવા માટે લગભગ એક લાખ પોસ્ટકાર્ડ પણ લખવામાં આવશે.

સૈનિકોના જુસ્સાને સલામ

આ યાત્રાનું મુખ્ય કેન્દ્રબિંદુ દેશના સૈનિકો છે. યાત્રા દરમિયાન મહિલાઓ, શાળાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ પણ સરહદ પર મોકલવામાં આવશે. શહીદ સૈનિકોના પરિવારો, પૂર્વ સૈનિકો અને વર્તમાનમાં સેવા આપી રહેલા સૈનિકોનું સન્માન કરવામાં આવશે. 'શહીદોને વંદન, સૈનિકોને અભિનંદન અને સરકારને સમર્થન'ના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ યાત્રા દ્વારા જનજાગૃતિ લાવવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: