સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રીનાં અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


૧૨૩ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા

અવંતિકા સિંહના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૭ બાળકોને જ્યારે ધોરણ -૧માં ૬૬ બાળકોને શાળા-પ્રવેશ અપાયો હતો. આમ, કુલ ૧૨૩ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળા છોડીને ૯ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે.

વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે

આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે ઊજવાતો શાળા પ્રવેશોત્સવ બાળકો, શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે સાથે આમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઊર્જા પૂરી પાડતો હોય છે. શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણનીય આનંદ મળતો હોય છે. આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે, જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે, તથા તેમનાં માતા-પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે,એવું તેમણે ઉમેર્યું હતું.

અભ્યાસમાં આગળ વધી ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ

બાળકો સાથે સંવાદ સાધીને અવંતિકા સિંહે જણાવ્યું કે આ સ્પર્ધાનો યુગ છે, તમારે શિક્ષક, ડૉક્ટર, પોલીસ કે કશું પણ બનવું હોય તો તમારે જ મહેનત કરવી પડશે. જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ અને તેને હાંસલ કરવા માટે સતત અભ્યાસ કરવો જરૂરી છે. બાળપણથી જ નિયમિત અભ્યાસની ટેવ પાડવી જોઈએ, એવું સૂચન પણ તેમણે કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે, જેનો લાભ લઈને અભ્યાસમાં આગળ વધી ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ, જેથી તમારા માતા-પિતાને પણ સંતોષ થાય.

વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે

પોતાની ફરજ ઉપરાંત અંગત યોગદાન આપનારા શિક્ષકોની નિષ્ઠાની તેમણે પ્રશંસા કરી હતી તેમજ પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા વાલીઓનો પણ આભાર માન્યો હતો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બાળકો દેશનું ભવિષ્ય છે, તેમના વિકાસ માટે વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે એવો અનુરોધ અવંતિકા સિંહ દ્વારા એસએમસીની બેઠકમાં કરાયો હતો.

શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ શાસનાધિકારી ડૉ. પરિમલ ભાઈ પટેલ, હાંસોલ પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨ના આચાર્ય શર્મિષ્ઠાબહેન પટેલ તથા જયંતીભાઈ અસારી (ઈ. ચા.), એસ.એમ.સીના સભ્યો, વાલીગણ સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

  • Follow us on: