વર્ષ ૨૦૦૨-૦૩ માં, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં પ્રવેશ આપવો, ખાસ કરીને દીકરીઓને શિક્ષણ તરફ વળાવવાનો હતો. પ્રારંભે આ કાર્યક્રમ માત્ર કેટલાક ગામો અને શાળાઓ સુધી સીમિત હતો.
ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોને જે લક્ષ્યમાં લેવામાં આવ્યાં હતા
શરૂઆતનાં સમયમાં બોટાદ જિલ્લામાં ધોરણ ૧માં અંદાજીત ૨૫થી ૩૦% બાળકો શાળામાં પ્રવેશથી વંચિત હતાં, તેમાં દીકરીઓનું પ્રમાણ ખુબ મોટું હતું. જેમને શાળામાં પ્રવેશ મળે અને પોતાનો શિક્ષણનો અધિકાર મેળવી શકે તે હેતુથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તે સમયે શાળા પ્રવેશોત્સવમાં ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોને જે લક્ષ્યમાં લેવામાં આવ્યાં હતા.
ટેકનોલોજીથી સજ્જ મોડેલ અપનાવાયું છે
આજની સ્થિતિ-વિસ્તરણ અને અસરકારકતા- ૨૦૨૫માં પ્રવેશોત્સવની ૨૩મી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં આ કાર્યક્રમ રાજ્યવ્યાપી યોજાઈ રહ્યાં છે, જેમાં સરકારી તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓનો સમાવેશ થાય છે. ૨૫.૭૫ લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ આ અભિયાન દ્વારા થયો છે. કન્યા કેળવણી પણ મુખ્ય હિસ્સો બની છે અને ટેકનોલોજીથી સજ્જ મોડેલ અપનાવાયું છે, જેમ કે AI આધારિત મોનીટરીંગ. જેનાં થકી અસરકારક દેખરેખ રાખવામાં આવી રહી છે.
ધોરણ ૯માં ૧૦૦% પ્રવેશ મેળવે તે બાબતે બોટાદ જિલ્લા શિક્ષણ પરિવારની ટીમ કામ કરી રહી છે
બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો, શાળા પ્રવેશોત્સવ થકી આજે તમામ બાળકો જે પ્રવેશ મેળવવાપાત્ર છે તેમનું શાળામાં ૧૦૦% નામાંકન થાય છે. એટલે શાળા પ્રવેશોત્સવ થકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત હતાં તેવાં બાળકોને પણ શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે જેના કારણે ડ્રોપઆઉટ રેટમાં લગભગ ૦% સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપરાંત છેલ્લાં ૩ વર્ષથી ધોરણ ૮ પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ પણ ધોરણ ૯માં ૧૦૦% પ્રવેશ મેળવે તે બાબતે બોટાદ જિલ્લા શિક્ષણ પરિવારની ટીમ કામ કરી રહી છે.
શિક્ષણમાં પ્રવેશથી શરૂ થયેલી આ યાત્રા
થોડા વર્ષ પહેલાં ધોરણ ૮થી ધોરણ ૯માં જનાર વિદ્યાર્થીઓમાં પણ ૨૫થી ૩૦% બાળકો પોતાનો અભ્યાસ છોડીને જતાં રહેતાં હતાં. આજે છેલ્લાં ૩ વર્ષમાં બોટાદમાં ધોરણ ૯માં ૯૭% થી વધારે બાળકો શાળામાં પ્રવેશ મેળવી પોતાનો શિક્ષણનો અધિકાર મેળવી રહ્યાં છે. આ શાળા પ્રવેશોત્સવ હવે માત્ર પ્રવેશનો કાર્યક્રમ ન રહ્યો, પરંતુ શિક્ષણમાં પ્રવેશ, જાગૃતિ, ગુણવત્તા અને સામાજિક ભાગીદારી સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ અભિયાન બની ગયું છે. ગુજરાતનાં શિક્ષણ ક્ષેત્રે આ અભિયાનથી સર્જાયેલા પરિવર્તન થકી આજે દરેક ગામ, શહેર અને બાળકનાં ભવિષ્યમાં ઉજાસ ભરી રહ્યાં છે અને શિક્ષણમાં પ્રવેશથી શરૂ થયેલી આ યાત્રા,આજે પરિવર્તનની પંક્તિઓ લખી રહી છે.
શાળાઓને ગ્રેડિંગ કેવી રીતે મળે છે ?
નિયત માપદંડ પ્રમાણે જે શાળાનું પરિણામ ૯૫ ટકાથી વધુ હોય તે શાળાને A 5 સ્ટાર ગ્રેડ મળે છે. ૯૦ ટકાથી વધારે અને ૯૫ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તેને A 4 સ્ટાર, ૮૫ ટકાથી ૯૦ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તે શાળાને A 3 સ્ટાર, ૮૦ ટકાથી વધુ અને ૮૫ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તે શાળાને A 2 સ્ટાર, ૭૫ ટકા કે તેથી વધુ અને ૮૦ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તે શાળાને A 1 સ્ટાર ગ્રેડ, ૫૦ ટકાથી ૭૫ ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાને B ગ્રેડ, ૨૫ ટકાથી ૫૦ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તે શાળાને C ગ્રેડ, જ્યારે ૦ ટકાથી ૨૫ ટકા કે તેથી ઓછું પરિણામ હોય તે શાળાને D ગ્રેડ આપવામાં આવે છે. જેમાં અધ્યયન અને અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધનો અને તેનો ઉપયોગ, રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિતના માપદંડોનો સમાવેશ થાય છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર (GSQAC) દ્વારા શાળાઓને આ ગ્રેડ આપવામાં આવે છે.













