અમદાવાદ શહેરમાં ઈમરજન્સીમાં જે વાહનો મદદે પહોંચે છે એ ફાયર વિભાગના વાહનો જ ફિટનેસ વગરના હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ પાસે રહેલા 193 વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર જ દોડી રહ્યા હતા, પરંતુ હવે તંત્રને યાદ આવ્યું છે કે આ કામગીરી થવી જોઈએ.


ફાયર વિભાગને હવે યાદ આવ્યું કે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જોઈએ

શહેરમાં આગ લાગે, કોઈ ફસાઈ જાય કે પછી પ્લેન ક્રેશ થાય કે કોઈ તણાઈ જાય તો લોકો પહેલો કોલ ફાયર વિભાગને કરતા હોય છે. જેથી મદદ મળી રહે પરંતુ ફાયર વિભાગના વાહનો જ ખખડધજ હાલતમાં હોય તો ? આવી જ હાલત છે AMCના ફાયર વિભાગના વાહનોની. ફાયર વિભાગ પાસે 193 જેટલા વાહન છે. છેલ્લા 10 વર્ષથી ફિટનેસ સર્ટિફિકેટ વગર જ ફરી રહ્યા હતા. બીજી તરફ આ અંગે ચીફ ફાયર ઓફિસરે જવાબ આપવાનું ટાળ્યું હતું કે જો વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તો ઈમરજન્સી કોલમાં શું તકલીફ પડી શકે છે. પરંતુ તેમણે એ વાત સ્વીકારી હતી કે ફાયર વિભાગ પાસે રહેલા 193 વાહનના ફિટનેસ સર્ટિફિકેટ 10 વર્ષથી નહોતા, જેના સર્ટિફિકેટ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં 36 વાહનમાં ફિટનેસ સર્ટિફિકેટ લઈ લેવામાં આવ્યા છે, બાકી રહેલા વાહનો માટે અઠવાડિયામાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

 સત્તાપક્ષ ફાયર વિભાગમાં ટેકનોલોજી અપગ્રેડ કરવા ઈચ્છી રહ્યું નથી : વિરોધપક્ષ

બીજી તરફ વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે AMCનું વાર્ષિક બજેટ 15,000 કરોડનું છે. 1 કરોડ લોકો અહીં વસે છે. અહીં ફાયર વિભાગ જ અસલામત છે. આગના બનાવ હોય કે કોઈ પણ કોલ હોય ફાયર વિભાગ દોડતું હોય છે. 193 વાહન પૈકી 157 વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર છે, 80 ખરાબ હાલતમાં છે. સત્તાપક્ષ ફાયર વિભાગના ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા ઈચ્છી રહ્યું નથી, એવામાં ફાયરના વાહનો લોકોને બચાવવા જાય તેને અપગ્રેડ કરવા જોઈએ અને બાદમાં તેને રોડ પર મોકલવા જોઈએ. આમ, ફાયર વિભાગની ગંભીર બેદરકારી છે એ વાત હકીકત છે ત્યારે ભલે સરકારી વાહન હોય પરંતુ તેનું પણ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે ફિટનેસ વગરનું વાહન કોલમાં મોકલવામાં આવે અને સમયસર ના પહોંચી શકે અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ?

  • Follow us on: