ગુજરાતના પોલીસ વિભાગમાં છાશવારે બદલીના આદેશ થતાં હોય છે. અમદાવાદમાં ગત 18 ઓગસ્ટે એક સાથે 31 PIની આંતરિક બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા લાંબા સમય બાદ બદલીનો આદેશ કર્યો હતો. જેમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા અમદાવાદના બે PIની બદલીના આદેશ આપ્યા છે. બંને PIની વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી છે.


બંને પોલીસ ઈન્સપેક્ટરોની વડોદરા ખાતે બદલી કરાઈ

અમદાવાદ શહેરમાં બિનહથિયાર ધારી પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા એ.આર. ધવન અને એન.જી. સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. આ બંને પોલીસ ઈન્સપેક્ટરોને વડોદરા ખાતે તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. બંને પોલીસ ઈન્સપેક્ટરોને હાજર થયા બાદ પોલીસ વડાની કચેરીને જાણ કરવા પણ આદેશ કરાયો છે.

એકની પત્ની કંટ્રોલ DCP છે અને બીજાની ઝોન 3માં DCP તરીકે ફરજ બજાવે છે

અત્યાર સુધીમાં થતી બદલીઓમાં લોકોના અભિપ્રાય અને કર્મચારી કે અધિકારીની કામગીરીને ધ્યાને લેવામાં આવતી હતી. પરંતુ ઉપરોક્ત બંને પોલીસ અધિકારીઓને તેમની બદલીના ઓર્ડરમાં પત્ની નડી ગઈ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. કારણ કે આ બંને પોલીસ ઈન્સપેક્ટરોની પત્ની અમદાવાદ શહેરમાં DCP તરીકે ફરજ બજાવે છે. એકની પત્ની કંટ્રોલ DCP છે અને બીજાની ઝોન 3માં DCP તરીકે ફરજ બજાવે છે. આ બંને પોલીસ અધિકારીઓની હવે વડોદરા ખાતે બદલી થતાં અનેક તર્ક વિતર્કો ચર્ચામાં આવ્યા છે.


  • Follow us on: