ગુજરાતનો દરિયાકિનારો ઈન્ટરનેશનલ ડ્રગ્સ મફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો છે. ATS, NCB અને સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે દરિયામાં તેમજ અન્ય માર્ગો પર તવાઈ બોલાવીને કરોડોથી લઈને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી લેવાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, કરોડોનો માલ પકડાય છે, બોટ પકડાય છે, સ્થાનિક પેડલરો જેલભેગા થાય છે, પરંતુ આ આખા નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ કે વ્હાઇટ કોલર કિંગપિન આજદિન સુધી પકડાતો નથી.
ઈરાની સહિતના ડ્રગ માફિયા ઝડપાઈ ચુકયા છે
જ્યારે પણ ગુજરાતના દરિયામાં પાકિસ્તાની કે ઈરાની બોટ પકડાય છે.ત્યારે માત્ર તેના ખલાસીઓ જ જેલમાં જાય છે.મોટી ખેપમાં અસલી આકાઓ સેટેલાઈટ ફોન અને ઇન્ટરનેશનલ કોલિંગ એપ્સનો ડેટા ડિલીટ કરીને દર વખતે કાયદાકીય છટકબારીનો લાભ લઈ સરકી જાય છે. સત્તાવાર આંકડા અને એજન્સીઓના ઓપરેશન પર નજર કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના જખૌના દરિયા કિનારા સહિત મુંદ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ તેમજ અમદાવાદ સહિતના શહેરોમાંથી આશરે 60 હજાર કરોડથી વધુની બજાર કિંમતનું હેરોઈન, MD ડ્રગ્સ, ચરસ અને મેધામ્ફેટામાઈન જેવો નશીલો પદાર્થ ઝડપાઈ ચૂક્યો છે.માત્ર મુંદ્રા પોર્ટ પરથી જ એક સિંગલ ઓપરેશનમાં 21 હજાર કરોડનું હેરોઈન પકડાયું હતું.કરોડોના ડ્રગ્સની સાથે પાકિસ્તાની,અફઘાની અને ઈરાની સહિતના ડ્રગ માફિયા ઝડપાઈ ચુકયા છે.

મોટા પાયે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કામ કરી રહી છે
આ આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે કેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કામ કરી રહી છે.વિવિધ તપાસ એજન્સી દ્વારા છેલ્લા 5 વર્ષમાં દાખલ કરાયેલી જુદી જુદી ચાર્જશીટ પર નજર કરીએ તો,આશરે 50થી વધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ અને આકાઓ સત્તાવાર રીતે વોન્ટેડ દર્શાવાયા છે.જોકે ગૃહ મંત્રાલય હેઠળ છેલ્લા 5 વર્ષમાં સેન્ટ્રલ એજન્સીઓ અને સ્ટેટ એજન્સી ગુજરાત એટીએસ વચ્ચે રિયલ-ટાઇમ સેટેલાઈટ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ શેરિંગને કારણે સરેરાશ દરિયામાં જ ઓપરેશન સક્સેસ થઈ રહ્યા છે.તપાસ એજન્સીઓ આ આકાઓ સામે ઈન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ તો જાહેર કરાવી દે છે, પરંતુ પાકિસ્તાન જેવા દેશોના અસહકારને કારણે તેઓ ક્યારેય પકડાતા નથી.
માસ્ટર માઇન્ડ કોણ અને કેમ પકડાતા નથી?
તપાસ એજન્સીઓના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે ડ્રગ્સના કાળા કારોબારના અસલી માસ્ટરમાઈન્ડ વિદેશમાં બેઠા છે. મુખ્ય સુત્રધારો એટલે કે આકાઓની વાત કરીએ તો પાકિસ્તાનના કુખ્યાત ડુગ માફિયા હાજી અલી, ગુલામ જાન અને ઈરાન સરહદે સક્રિય ડ્રગ લોર્ડ્સ છે. આ સિવાય અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા કેટલાક મોટા માથાઓ દુબઈ અને આફ્રિકન દેશોમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરે છે. આ માફિયાઓ કટ-આઉટ સિસ્ટમનો ઉપયોગ કરે છે.માલ મોકલનાર,દરિયાઈ ખલાસીઓ અને સ્થાનિક એજન્ટો એકબીજાથી અપરિચિત રહે છે. આ સાંકળ તટતી હોવાથી તપાસ એજન્સીઓ મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકતી નથી.

માસ્ટરમાઇન્ડને પકડવામાં વિલંબનું મોટું કારણ
ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા માત્ર કોડેડ લેંગ્વેજ અને સેટેલાઇટ ફોન અથવા થ્રીમા અને સિગ્નલ જેવી એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા જ વાત કરે છે.જેવી બોટ પકડાય એટલે પાકિસ્તાન કે દુબઈમાં બેઠેલો આકા પોતાનું સિમકાર્ડ અને લોકેશન બદલી નાખે છે.ભારતીય એજન્સીઓ પાસે વિદેશી ધરતી પર જઈને ઓપરેશન કરવાની સીધી સત્તા ન હોવાથી આ આંતરરાષ્ટ્રીય કિંગપિન કાયદાના સકંજાથી બચી જાય છે.સ્થાનિક સ્તરે ડ્રગ્સ પકડાયા બાદ પોલીસ જે ચાર્જશીટ કરે છે.તેમાં વિદેશી આકાઓને માત્ર વોન્ટેડ દર્શાવીને કેસ બંધ જેવો કરી દેવાય છે.પ્રત્યાર્પણ સંધિની ધીમી પ્રક્રિયા પણ માસ્ટરમાઇન્ડને પકડવામાં વિલંબનું મોટું કારણ છે.
આ પણ વાંચોઃ Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?