બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલો પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મેળાના સુખદ સમાપન બદલ માતાજીનો આભાર વ્યક્ત કરવા માટે જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ માતાજીના શિખર પર ધજા ચઢાવી અને આસ્થા સાથે ગરબા રમ્યા હતા.


પરંપરાગત રીતે ધજા લઈને મંદિર પરિસરમાં પ્રવેશ્યા જિલ્લાના કલેક્ટર

આજે ભાદરવી પૂનમનો પવિત્ર દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ, દાંતાના એસડીએમ, પોલીસ વિભાગના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતનો સ્ટાફ અંબાજી મંદિર પહોંચ્યો હતો. તેઓ પરંપરાગત રીતે ધજા લઈને મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. મંદિરના ચાચર ચોકમાં એક અનોખો અને ભક્તિમય માહોલ જોવા મળ્યો. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે કલેક્ટર મિહિર પટેલ પણ માતા અંબા પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ભક્તિને વ્યક્ત કરતા ગરબે ઘૂમ્યા હતા.

અધિકારીઓ અને ભક્તોએ સાથે મળીને માતાજીની ધજા સાથે ગરબાની મજા માણી

કલેક્ટરને ગરબા રમતા જોઈને ત્યાં હાજર ભક્તો અને સરકારી કર્મચારીઓમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો. અધિકારીઓ અને ભક્તોએ સાથે મળીને માતાજીની ધજા સાથે ગરબાની મજા માણી હતી. જે આ મેળાની સફળતાની ઉજવણી સમાન હતું. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે વહીવટી તંત્રના અધિકારીઓ માત્ર પોતાની ફરજ નિભાવતા નથી. પરંતુ સામાન્ય જનતાની જેમ તેઓ પણ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. આખા મેળા દરમિયાન ભક્તોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કર્યા બાદ અધિકારીઓએ માતાજીના ચરણોમાં પોતાની ભક્તિ અર્પણ કરીને આભાર માન્યો હતો.


  • Follow us on: