આરાસુરની અંબાજી શક્તિપીઠમાં ભાદરવી પૂનમનો મહાકુંભ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભેર ચાલી રહ્યો છે. આ મહાકુંભના પાંચમા દિવસે પણ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. ગત 24 કલાકમાં જ કુલ ૭,5૭,524 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા, જે દર્શાવે છે કે આસ્થાનો પ્રવાહ કેટલો પ્રબળ છે. આ સાથે જ, મહાકુંભના પ્રથમ પાંચ દિવસમાં દર્શન કરનાર ભક્તોની કુલ સંખ્યા 30,01,013 પર પહોંચી છે. આ રેકોર્ડબ્રેક સંખ્યા અંબાજીની શક્તિપીઠ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.


ભક્તો માટે સુવિધાઓ અને આવક

દર્શન માટે આવેલા ભક્તોની સુવિધા માટે ઉડન ખટોલા પણ સતત કાર્યરત છે. પાંચ દિવસમાં 49,302 શ્રદ્ધાળુઓએ ઉડન ખટોલાનો ઉપયોગ કરીને દર્શનનો લહાવો લીધો હતો. આ ઉપરાંત, ભક્તો દ્વારા માતાજીના ચરણે ધરવામાં આવતી ભેટ-સોગાદ અને દાનથી ભંડારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પાંચ દિવસમાં તમામ ભંડાર કેન્દ્રોની કુલ આવક 1,90,4૬,2૭3 રૂપિયા થઈ છે. આ આવકનો ઉપયોગ મંદિર અને ભક્તોની સુવિધાઓ માટે કરવામાં આવશે.

શક્તિ અને ભક્તિનો સંગમ

અંબાજીના આ મહાકુંભમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓ અને દૂર-દૂરથી આવતા ભક્તોમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ દેખાય છે. ગુજરાત સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા, રહેઠાણ અને ભોજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાકુંભ ભક્તો માટે આધ્યાત્મિક અનુભવની સાથે સાથે એક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ બની રહ્યો છે.



  • Follow us on: