ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે જિલ્લા કલેક્ટર દ્વારા મેળાને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે મેળો ક્યારે યોજાશે તેની માહિતી આપી હતી. અંબાજીમાં આગામી 1થી 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. અરવલ્લીની ગીરીમાળાઓમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગૂંજી ઉઠશે.
1થી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે અંબાજીના મેળાને લઈને બેઠક યોજી હતી. તેમણે આગામી 1થી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે તેવી જાહેરાત કરી હતી. આ બેઠકમાં તેમણે મેળાના આયોજનને લઈને ચર્ચાઓ કરી હતી. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, મંદિર દર્શન, સુરક્ષા સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
કલેક્ટરે બોલાવી હતી બેઠક
મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું હતું. યાત્રાધામ અંબાજીમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે.