આમોદ શહેરના જોષી ફળિયામાં ભાજપની માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના મકાન આંગણે જ 15થી 20 ફૂટ ઊંડો અને પહોળો ભુવો પડતા હડકંપ મચી ગયો છે. આ ખાડો મકાનના નીચે સુધી પહોંચી જતા પરિસ્થિતિ ગંભીર બની છે. વહેલી સવારે 7 વાગ્યે બનેલી ઘટનાની જાણ થતાં શર્મિષ્ઠાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ તથા ચીફ ઓફિસરને ફોન કરી બોલાવ્યા હતા.
શર્મિષ્ઠાબેને મિડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી
તેઓ સ્થળ પર પહોંચ્યા હોવા છતાં નગરપાલિકાએ નિષ્ણાતો પાસેથી કામગીરી કરાવવાની બદલે સફાઈ કામદાર અને ગટર સાફ કરાવતા કર્મચારીને કામે લગાડ્યા હતા. જેને લઈ શર્મિષ્ઠાબેને મિડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. હાલ શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.













