અરબ સાગરમાં ઉભા થયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના રાજુલામાં વીતેલા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.


સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ અમરેલી પંથકમાં વીતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજુલા પંથકમાં 24 કલાકમાં 11 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

અમરેલીના રાજુલા પંથકમાં 24 કલાકમાં 11 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રાજુલા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં આવેલા મંદિરોમાં પાણીમાં ગરકાવ થઇ ગયું છે. શિવાલય અને હનુમાન મંદિર 3 ફૂટ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

50થી વધુ મજૂરો વાડીમાં ફસાયા હતા

રાજુલામાં ધાતરવાડી નદીમાં પૂર આવ્યું છે અને નદીના પાણી સર્વત્ર ફરી વળ્યા છે. ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેથી 50થી વધુ મજૂરો વાડીમાં ફસાયા હતા. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા.

ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિ

અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે જેથી 3 જગ્યાએથી 100 લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું છે. રાજુલામાં ફાયરની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

તાતણીયા ગામે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

અમરેલીમાં ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે તો તાતણીયા ગામે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂરના પાણી ખોડીયાર મંદિરમાં ઘૂસ્યા છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક જોવા મળી રહી છે.


  • Follow us on: