ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં થયેલા વરસાદ અને ત્યાર બાદ થયેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં તૈયાર થયેલો પાક વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે. બીજી તરફ ખેડૂતો પાસે જે પાક તૈયાર હતો તે પણ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરી હતી કે, સરકારે ખેડૂતનું દેવું માફ કરવા વિચારવું જોઈએ.


કાનાણીના પત્રની અસર અમરેલીના સાવરકુંડલામાં દેખાઈ

ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર અમરેલીના સાવરકુંડલામાં દેખાઈ છે. સાવરકુંડલના નગર પાલિકાના ગેટ પાસે જ કુમાર કાનાણીના બેનરો લાગ્યાં છે. જેમાં લખ્યું છે કે, ખેડૂતોનું સાચુ દર્દ સમજવા બદલ આભાર, માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી દેવુ માફ કરવા માટે રજૂઆત કરવા બદલ ખેડૂત પરિવાર સાવરકુંડલા આભાર માને છે. બેનરને લઈને કુમાર કાનાણીએ કહ્યું હતું કે, મેં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે આ પત્ર લખ્યો હતો. વાહવાહી લૂંટવા માટે પત્ર લખ્યો નથી. સરકારી સહાયથી ખેડૂતોની ભરપાઈ નહીં થાય.ખેડૂતોના દેવા ઘટાડવા મુદ્દે ચર્ચા થવી જોઈએ. કોઈએ ખેડૂતો બાબતે રાજકારણ ના કરવું જોઈએ.

કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે, બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે.સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં.આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ.બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય છે. ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થશે.


  • Follow us on: