ગંભીરા પુલ દુર્ઘટનાના કડવા અનુભવ છતાં, અમરેલી જિલ્લાનું તંત્ર હજુ પણ જાણે આંખે પાટા બાંધીને બેઠું હોય તેવા દ્રશ્યો બાબરા તાલુકામાં જોવા મળી રહ્યા છે. અમરેલી-રાજકોટ નેશનલ હાઈવે 351-G પર આવેલા એક પુલની છેલ્લા બે વર્ષથી દયનીય હાલત છે, જ્યાં મોટા ગાબડાં પડી ગયા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને અકસ્માતોનો ભય સતત મંડરાઈ રહ્યો છે.
રસ્તાઓ પર મસમોટા ગાબડાં પડ્યા
મહત્વનું છે કે, આ પુલ અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે 351-G ઉપર બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામો નજીક આવેલો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પુલ લગભગ સાત વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા બે વર્ષથી તેની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. પુલ પર મસમોટા ગાબડાં પડી ગયા છે અને તેમાંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહ્યા છે.
અકસ્માતોનો સિલસિલો અને તંત્રની ઉદાસીનતા...
બહાર નીકળેલા સળિયાઓને કારણે વારંવાર વાહનોના ટાયર ફાટવાના બનાવો બને છે. આ ઉપરાંત, બાઈકચાલકો જ્યારે ખાડામાં આવે છે ત્યારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ માર્ગ અમરેલીથી રાજકોટને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી અને બાબરા અમરેલી જિલ્લાનું કેન્દ્ર હોવાથી, અધિકારીઓ તેમજ રાજનેતાઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. આમ છતાં, આવા જર્જરિત થયેલા પુલ પ્રત્યે તંત્ર બેધ્યાન રહીને આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
જર્જરિત પુલોનું સમારકામ કરવા લોકોની માંગ
લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ પર આવેલા આવા જર્જરિત પુલોનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ પુલનું સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે.