અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં મેઘરાજાની મહેર છલકાઈ છે, પરંતુ તેની સાથે જ તંત્રની ઘોર બેદરકારી પણ છતી થઈ છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે બાબરાનો રામપરા ડેમ છલકાઈ ગયો છે અને મોટાભાગના તળાવો તથા ચેકડેમો પણ છલકાઈ ગયા છે. પાણીની ભરપૂર આવક ખેડૂતો માટે ખુશી લાવી છે, પરંતુ લોકો, ખાસ કરીને બાળકો, ધસમસતા પાણીના પ્રવાહમાં નાહવા પડ્યા હોવાના દૃશ્યો ચિંતાજનક છે.


સ્થાનિક તંત્રની સુરક્ષા પર સવાલ

ડેમમાં પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં, મોટાથી માંડીને નાના બાળકો પણ જીવના જોખમે પાણીમાં નાહતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો સ્પષ્ટપણે સ્થાનિક તંત્રની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. આવા સમયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી, લોકોને પાણીથી દૂર રહેવા માટે ચેતવણી આપવી અને જોખમી સ્થળોએ પ્રવેશબંધી ફરજિયાત કરવી એ તંત્રની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે.

દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, આ આનંદની ક્ષણો દુર્ઘટનામાં પલટાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં કોઈ જીવલેણ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તે એક સવાલ છે.

  • Follow us on: