અમરેલી જિલ્લામાં લુખ્ખા તત્ત્વો બેફામ બની રહ્યા હોય તેમ આમ જનતા પર દાદાગીરી કરીને પોતાનો રૌફ જમાવતા જોવા મળી રહ્યા છે. આ અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તેમ સરા જાહેરમાં ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવામાં અમરેલી પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. અમરેલીમાં બે દિવસ પહેલા એક બેન્ક કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.


બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ક્રાંકચ ગામની બેંકના કર્મચારીને 18 નવેમ્બરના રોજ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં જોઈ શકાય છે કે, ત્રણ યુવકો ગાડીમાં આવે છે, અને લાકડી સાથે કર્મચારી પર તૂટી પડે છે. આસપાસના લોકો મારામારીથી ડઘાઈ ગયા હતા. ત્રણ યુવકોમાંથી એક યુવકે કર્મચારીને પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય બે યુવકો તેને લાકડી વડે માર મારતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

બેંકના કલાર્ક ગૌતમ વાળાના પગ ભાંગી ગયા

ક્રાંકચની જિલ્લા મધ્યસ્થ બેંકમાં કલાર્ક તરીકે નોકરી કરતા ગૌતમ વાળા પર ત્રણ યુવક દ્વારા હુમલો થયો હતો. આ હુમલામાં બેંકના કલાર્ક ગૌતમ વાળાના પગ ભાંગી ગયા છે. ઇજાગ્રસ્ત યુવકને અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે. જસદણના ત્રણ શખ્સો સામે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણ યુવકોમાં દેવકું વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળાનો સમાવેશ થાય છે. હુમલાખોર આરોપીઓને પકડવા લીલીયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

  • Follow us on: