અમરેલી જિલ્લાના એક એવા સરદાર પ્રેમી કે,જેમણે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વમાંથી પ્રેરિત થઈ લોહપુરુષની ૫ હજાર પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો છે, સરદારના રાષ્ટ્ર માટેના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રને એક તાતણે બાંધવાના ન ભૂતો, ન ભવિષ્યતિ યોગદાનથી ખાસ યુવા પેઢી પ્રેરિત થાય તે માટે રચનાત્મક કાર્યનો એક અનોખો યજ્ઞ શરૂ કર્યો છે.સરદાર પટેલના આદર્શોમાંથી લોકો પ્રેરણા મેળવે તે માટે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં 2400 જેટલી પ્રતિમાઓની સ્થાપના કરી ચૂક્યા છે.
સરદાર પટેલની 8 ફૂટ ઊંચી 5000 પ્રતિમાઓ મુકવાનો સંકલ્પ
તેમણે સરદાર પટેલની 147મી જન્મજયંતીએ 147 પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એક વીડિયો જોઈને આઘાત લાગ્યો અને દેશમાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી 5000 પ્રતિમાઓ મુકવાનો સંકલ્પ કર્યો.આપબળે અને માત્ર ત્રણ ચોપડી ભણેલા બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિ જે સામાજિક કાર્યો માટે પણ એટલા જ જાણીતા છે તેવા ગોપાલભાઈ વસ્તરપરા- ચમારડીએ સરદારના રાષ્ટ્ર એકીકરણ માટેના અભૂતપૂર્વ કાર્ય અને તેમના વિચારોને જન જન સુધી લઈ જવા માટે તન મન અને ધનથી સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યાં છે.













