અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે થયેલા હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અંગત અદાવત અને સમાધાનની માથાકૂટમાં એક વૃદ્ધની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના દસ આરોપીઓને વડિયા પોલીસ અને અમરેલી LCB દ્વારા ઘટનાસ્થળે લઈ જઈને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધના પાંચ સાળાઓ અને અન્ય પાંચ અજાણ્યા શખ્સો સહિત કુલ દસ આરોપીઓ સામેલ હતા.
અરજણસુખમાં 10 આરોપીઓએ વૃદ્ધની કરી હતી હત્યા
પોલીસ તપાસ મુજબ ભોગ બનનાર પતિ-પત્ની વચ્ચેની અંગત માથાકૂટનું સમાધાન કરાવવા માટે આ તમામ લોકો મોડી રાત્રે એકત્રિત થયા હતા. જોકે સમાધાનની વાતચીત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને તેના પરિણામે આરોપીઓએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેમણે કુહાડીના ઘા મારીને વૃદ્ધનો પગ કાપી નાખ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અમરેલી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.













