અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં થયેલા ધોધમાર વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. વડીયાના ઢૂંઢિયા પીપળીયાથી ચુડા જવાનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. આ ડામર રોડ પરનો ડામર ઉખડીને ગટરોમાં પથરાઈ ગયો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે રસ્તાના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થયો હતો. આ ઘટનાએ સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ પેદા કર્યો છે.


સ્થાનિક ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી

સ્થાનિક ખેડૂતોએ આ મામલે સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક ખેડૂતે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડામર રોડના પોપડા ઉખડી ગયા છે અને માત્ર માટી જ બાકી રહી છે. ખેડૂતે વીડિયો દ્વારા સરકારને રજૂઆત કરી છે કે, વિકાસના નામે થતી નબળી કામગીરીને કારણે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે.

રાહદારીઓએ ભારે મુશ્કેલી

આ માર્ગનું ધોવાણ થવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતોને ખેત પેદાશ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે રસ્તો ખરાબ થતાં અકસ્માતનો ભય પણ વધી ગયો છે. આ ઘટનાએ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ મામલે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે.


  • Follow us on: