અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધારીના માધુપૂર, ખીચા, દેવળા અને વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ અચાનક અને ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને માધુપૂર ચોકડી પાસે તો સ્થિતિ ગંભીર બની ગઈ હતી, જ્યાં રોડ પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એક બાઇકચાલક તેમાં તણાયો હતો. સદનસીબે સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.


ખાંભા-ધારી રોડ પર વાહનોની લાંબી લાઈનો

ભારે વરસાદના કારણે ધારી-ખાંભા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને અનેક વાહનો ફસાઈ ગયા હતા. લોકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડ્યું હતું. આ પરિસ્થિતિએ સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે, કારણ કે થોડા જ વરસાદમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

જાનહાનિ ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

વરસાદી પાણીમાં બાઇકચાલક તણાયો હોવા છતાં તેને સમયસર બચાવી લેવાતા કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ઘટનાએ નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


  • Follow us on: