અમરેલી જિલ્લામાં રાજુલા સાવરકુંડલા હાઇવે અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે અને રાજુલા બાયપાસ માર્ગો ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, વાહન ચાલકો વાહન પર ડાન્સ કરતા હોય તેવી રીતે અહીં વાહન ચાલકો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે.


હાઈવે પર અંદાજે 50થી વધુ ખાડાઓ

ગુજરાત રાજ્યમાં વરસાદ બાદ તંત્ર અને માર્ગ મકાન વિભાગને માર્ગો પર ખાડાઓ પુરવા માટે રાજય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓને જાણે પેટનું પાણી હલતું ન હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં દયનિય સ્થિતિ સર્જાઈ છે, રાજુલા સાવરકુંડલા હાઇવે ઉપર અંદાજે 50થી વધુ ખાડાઓ હોવાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, વરસાદ બાદ અહીં કોઈ સમારકામ કરવામાં આવતું નથી દૂધ વેચાણ કરતા વાહન ચાલકો કહે છે, ખાડાના કારણે દૂધ પણ માર્ગ ઉપર ઢોળાય છે અને અકસ્માતની ઘટનાઓ પણ બને છે તાકીદે સરકાર ખાડાઓ પુરે તેવી માંગ ઉઠી છે.

સાવરકુંડલાથી અમરેલી નેશનલ હાઇવેની હાલત ખરાબ

રાજુલા સાવરકુંડલા હાઇવે અને સાવરકુંડલાથી અમરેલી નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યંત માર્ગો ખરાબ બની રહ્યા છે જિલ્લાના મુખ્ય હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પણ આવી જ હાલત છે, રાજુલા બાયપાસ વિસ્તારમાં પણ મોટા મોટા ખાડાઓ જોવા મળે છે બાઇક ચાલકો કહે છે વહેલી તકે ખાડાઓ પુરે નહિતર અકસ્માત સર્જાઈ શકે છે.

રોડ ઉપર ભયાનક સ્થિતિ સર્જાઈ છે

ચોમાસાની હજુ શરૂઆત સમયે પ્રથમ વરસાદે રોડ ઉપર ભયાનક સ્થિતિ સર્જાઈ છે તેવા સમયે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓ મીડિયા સમક્ષ કઈ બોલવા તૈયાર નથી હવે રાજય સરકારના આદેશ બાદ અમરેલી જિલ્લાના અધિકારીઓ પાલન કરશે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશો.

 

  • Follow us on: